સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ

વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી. વાવાઝોડાને કારણે દ્વારકા, ઓખા, ભૂજ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે સેંકડો વૃક્ષો ધ્વસ્ત થયા હતા.

શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક ત્રાટક્યું હતું. આ પહેલા વાવાઝોડાએ 10 દિવસ સુધી અરબ મહાસાગરને ધમરોળ્યો હતો. સાંજથી શરૂ થયેલી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલતી રહી હતી. તેજ ગતિથી ફૂંકાયેલા પવન સાથે સૌરાષ્ટ્ર, કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. જો કે રાહત અને બચાવ માટેની આગોતરી તૈયારીઓના કારણે મોડી રાત સુધી જાનમાલના વ્યાપક નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નહોતા. દેવભૂમિ દ્વારકામાં વૃક્ષ પડી જવાથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવનની ગતિ 125 કિમી પ્રતિ કલાક હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે પવનની ગતિ 130 કિમી પ્રતિ કલાકથી વધીને 150 કિમી પ્રતિ કલાક થઈ શકે એવી સંભાવના છે.

બિપરજોય ચક્રવાતને પગલે સૌરાષ્ટ્ર કચ્છના સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ બનાવવામાં આવ્યા છે અને લગભગ 94 હજાર નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જેમાં 8,900થી વધુ બાળકો અને 1100 સગર્ભાઓનો પણ સમાવેશ થાય છે. અસરગ્રસ્તો માટે 50,000થી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દવાના જથ્થા સાથેની ટીમ તૈયાર રાખવામાં આવી છે. જેસીબી સહિતના સાધનો સ્ટેન્ડ બાય રખાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *