સૌરાષ્ટ્ર-કચ્છમાં પેટ્રોકેમિકલ, પોર્ટ અને એમએસએમઈ ક્ષેત્રે થશે6 લાખથી વધુ રોજગારીનું સર્જન

રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલ કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં આગામી દસ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 25 જેટલા સેક્ટરમાં 5,492 સમજૂતી કરાર થકી 5.78 લાખ કરોડનું રોકાણ આવનાર છે જેને પગલે આવનાર દિવસોમાં અહીં રોજગારીની વિપુલ તક, પ્રાપ્ત થશે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓના મતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં નવી 6 લાખથી વધુ રોજગારીનું સર્જન થશે.

રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર લાડાણી જણાવે છે કે, હવે સમય બદલાઈ રહ્યો છે. તમામ સેક્ટર ટેક્નોલોજી ડ્રિવન બની રહ્યા છે. જેમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત રહેશે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં 50 હજાર જેટલી રોજગારી ઉપલબ્ધ બનશે.

જેથી મિકેનિકલ, સિવિલ, બાયોટેક્નોલોજી, આઈટી અને આઈટીઆઈ ડિગ્રીધારકો જેવા સ્કિલ આધારિત કોર્સ કરેલા છાત્રો માટે વિશાળ તકો રહેલી છે. ઓટો, મશીન ટુલ્સ, પ્લાસ્ટિક, કિચનવેર સેક્ટરમાં સી.એન.સી. મશીનનો વપરાશ વધતા ઓટો કેડ ડિઝાઈનર, સી.એન.સી. ઓપરેટર, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે કુશળ યુવાનોની બહોળી સંખ્યામાં માંગ રહેશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણી જણાવે છે કે, રાજકોટમાં પાર્ટ્સ બનાવી એક્સપોર્ટ કરતી અનેક ઇન્ડસ્ટ્રીઝ હવે સેમિ કે ફુલ્લી ઓટોમેટિક બની રહી છે. એસેમ્બલી લાઈન અને રોબોટ્સ નાના મોટા કામ કરી આપે છે.

આજની યુવા પેઢી હવે મેન્યુફેક્ચરિંગ ઓટોમાઇઝેશનના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. જેથી હવે લેબર વર્ક ઘટી રહ્યું છે અને સ્કિલ્ડ મેનપાવરની ડિમાન્ડ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *