સૌરાષ્ટ્ર-કચ્છના 97 યાત્રાધામ-ધાર્મિક સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલિંગ

રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં આવેલા 97 યાત્રાધામ અને ધાર્મિક સ્થળોમાં રૂ. 20 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે PGVCL દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી TRP ગેમઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની PGVCL દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે એવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

PGVCLના ટેક્નિકલ વિભાગના મુખ્ય ઈજનેર આર. સી. પટેલે જણાવ્યું હતુ કે, આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય એવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે PGVCL દ્વારા તમામ સર્કલ ઓફિસરો પાસેથી ધાર્મિક સ્થળો અને યાત્રાધામોની યાદી મંગાવવામાં આવી હતી. કુલ 105 દરખાસ્તમાંથી 97 દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ જેવા કે, નાગેશ્વર, ઘેલા સોમનાથ, વિરપુર, સાળંગપુર, રણુજા, જૂનું દ્વારકાધીશ મંદિર, પરબ, બગદાણા, કેટેશ્વર, માતાના મઢ સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા તબકકામાં અન્ય સ્થળમાં કેબલ નાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *