સૌરાષ્ટ્રમાં 987 વીજપોલ પડી ગયા, 77 ટીસી બગડી ગયા

લોકો એકબાજુ ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને બીજીબાજુ વીજળી ગુલ થતા લોકોની મુસીબતમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 05 જેટલા ગામડાંમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. આ ગામડાંઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે રિપેરિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પીજીવીસીએલ દ્વારા જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, વરસાદ ઉપરાંત પવનને કારણે 987 જેટલા વીજપોલ પડી ગયા છે અથવા ડેમેજ થયા છે. 77 જેટલા ટીસી ખરાબ થઇ ગયા છે. જ્યોતિગ્રામ યોજનાના 05 અને ખેતીવાડીના 230 ફીડર પણ હાલ બંધ હાલતમાં છે. જે ગામડાંમાં વીજપુરવઠો ખોરવાયો છે તેમાં જામનગરનું 01, ભુજના 03 અને અમરેલીના 01 ગામમાં હજુ અંધારપટની સ્થિતિ છે.

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે હજુ 05 ગામડાંમાં વીજળી નથી, જમીનદોસ્ત થયેલા 987 થાંભલાને ફરી ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે તેવી પરિસ્થિતિમાં ચાલુ વરસાદમાં પણ રિપેરિંગ કામગીરી કરવી ખુબ મુશ્કેલ છે, પરંતુ પીજીવીસીએલનો લાઈનસ્ટાફ અને અધિકારીઓની ટીમ સતત કાર્યરત છે અને જ્યાં જ્યાં પોલ પડી ગયા છે ત્યાં પોલ ઊભા કરી વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *