સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ સહિતના ગુનાને અંજામ આપનાર ગુજસીટોકનો મુખ્ય સૂત્રધાર બોડીયાને રૂરલ એલસીબીની ટીમે પાલીતાણા પંથકના અંતરિયાળ વિસ્તારમાં ખેતમજુરોનો સ્વાંગ રચી ટ્રેકટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દબોચી લઈ કાર્યવાહી કરી હતી. ગેંગ લીડર સામે અગાઉ 45 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા શખ્સો વિરુધ્ધ સખ્તાઇથી કડક હાથે કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી વિંછીયા પોલીસ મથકમાં પૂર્વ આયોજીત કાવતરૂ કરી કુખ્યાત તસ્કરની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુના આચરતી ટોળકીના 19 શખ્સો સામે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા તથા સ્ટાફના માણસો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી દબોચ્યોજેમાં અગાઉ 11 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. આ ગુનાનો મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (રહે.પાલીતાણા, ભાવનગર) ફરાર હોય તેને પકડી પાડવા એલસીબીની ટીમે ખેત મજુરોનો સ્વાંગ રચ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયોને અંતરીયાળ ડુંગરાળ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.