ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમ ઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે.
આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટ અને સૌરાષ્ટ્રભરનાં જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના તપાસ માટે વડોદરા મોકલવા નહીં પડે અને રાજકોટમાં તેની તપાસ થશે. અત્યારે વડોદરાથી બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ રાજકોટની ફૂડ લેબોરેટરીમાં બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે, જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે.
વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે, જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે.