દિવાળી પર્વમાં મોટો દારૂનો જથ્થો ઉતારે તે પહેલાં સૌરાષ્ટ્રનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો છઠી વખત પાસામાં ધકેલાયો છે. લીસ્ટેડ બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશ્નર દ્રારા બુટલેગરની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાનો હુકમ કરતાં પીસીબી ટીમે ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ (ઉ.વ.42)ની અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરવાં તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો મેણું વિરુદ્ધ દારૂના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ પોલીસ મથકમાં 33 ગુના નોંધાયેલ છે. તેમજ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ પણ એક ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
અન્ય બનાવ ચાલુ વર્ષે જ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ભાયાવદરમાંથી ધવલ સાવલીયાનો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે જ દિવસે વ્હેલી સવારમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ધવલ સાવલીયાનો દારૂ ભરેલ ટ્રક જસદણમાંથી પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ધવલ સાવલીયા સામે રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, મોરબી, સુરેન્દ્રનગર,વડોદરા જિલ્લામાં દારૂના કેસ નોંધાયેલ હોવાથી રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આરોપી ધવલ સાવલીયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જિલ્લા કલેકટરને મોકલતા કલેકટર ડો. ઓમપ્રકાશે દરખાસ્ત મંજુર કરી આરોપી સામે પાાસનું વોરંટ ઇશ્યુ કર્યું હતું જેથી પોલીસે આરોપી ધવલ રસીકભાઇ સાવલીયા (ઉ.વ.31)ની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલહવાલે કરવામાં આવ્યો હતો.