સોમવારે વડોદરા બાદ આજે બુધવારના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ આવી તેઓએ રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ અને જૂનાગઢ રેન્જના અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી પ્રચાર અને મતદાન દિવસની કામગીરી અને તેમના અનુભવો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓના અનુભવ આધારે આગામી દિવસોમાં જરૂરી સુધારા વધારા કરી વધુ સારી રીતે કામગીરી આયોજન પૂર્વક કરી શકાય. આ સાથે તમામને રૂબરૂ અભિનંદન પાઠવી સારી કામગીરી બદલ શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ આવેલા ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતા હું ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રૂબરૂ જઇ અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી રહ્યો છું. આજે રાજકોટની મુલાકાતે આવ્યો છું. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ અને જૂનાગઢ રેન્જના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર અને મતદાન બન્ને સમયે થયેલ કામગીરીની રીવ્યુ અધિકારીઓ પાસેથી મેળવી તેમને ચૂંટણી દરમિયાન થયેલા અનુભવો જાણી આગામી સમયમાં શું સુધારા વધારા કરી શકાય અને વધુ સારી કામગીરી કેવી રીતે થઇ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી છે.