સૌરાષ્ટ્રમાં ગરીબ, જરૂરિયાતમંદ અને આર્થિક નબળા વર્ગના દર્દીઓ માટે અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા એક દાયકાથી નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આર્થિક નબળા અને જરૂરિયાતવાળા દર્દીઓ આ હોસ્પિટલનો લાભ લે તેવી અપીલ રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. આ સાથે જ લોકોને અહીં ચાલતી વિવિધ 7 યોજના માટે દાનની અપીલ પણ કરવામા આવેલી છે.
10 વર્ષમાં 20 લાખ દર્દીઓએ સારવારનો લાભ લીધો વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જેને ભરોસો હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલની સ્થાપના પ્રખ્યાત શિક્ષક અને ગુરુ રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવી હતી. જેમના પૂર્વ વિધાર્થી, જે આજે ડૉક્ટર, વેપારી, શિક્ષક અને સમાજના પ્રખ્યાત વ્યક્તિઓ છે. તેમની પ્રેરણાથી આ કાર્ય શકય બન્યું છે. CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડથી કાર્યરત આ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક ઉપકરણોની મદદથી વિનામૂલ્યે હાડકા, આંખ, દાંત, મહિલાઓની પ્રસૂતિથી લઈને હૃદય રોગ અને કેન્સર જેવા અસાઘ્ય રોગોની સારવાર 18 જેટલા વિભાગોમાં નિઃશુલ્ક આપવામા આવે છે. છેલ્લા 10 વર્ષમાં અંદાજે 20 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ થકી તબીબી સારવારનો લાભ મળ્યો છે. દરરોજ લગભગ 1500 દર્દીઓ નિ:શુલ્ક સેવાનો લાભ લે છે.
હોસ્પિટલમાં 25 જેટલા ડોક્ટરો અને 20 જેટલા સ્ટાફના સભ્યો અવિરત સેવા આપી રહ્યા છે. અહીં કેસ લખવાથી લઈને ડૉક્ટરી તપાસ, ઓપરેશન, દવાઓ અને ઇન્ડોર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને નિ:શુલ્ક ભોજન જેવી સેવાઓ અહીં ઉપલબ્ધ છે. હોસ્પિટલની કામગીરી માટે દર મહિને આશરે 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા સાવરકુંડલાના લોકોના દાનથી સંભવ બને છે. હાલ આ હોસ્પિટલમાં 140 બેડ છે. 2 વર્ષમાં તૈયાર થનારા નવા બિલ્ડીંગમાં કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગ શરૂ થશે જેથી વધુ 40 બેડ શરૂ કરવામાં આવશે. આ સાથે જ અહીં 50 સીટ સાથેની દીકરીઓ માટેની નર્સિંગ કોલેજ પણ વિના મૂલ્યે કાર્યરત છે.