રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માગ સાથે ‘હેઝટેગ બોયકોટ પરસોત્તમ રૂપાલા’નું સ્ટેટ્સ સોશિયલ મીડિયામાં લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે ફેબ્રુઆરી મહિના દરમિયાન ભાજપમાં જોડાયેલા અને ગુજરાત કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો પણ ઓડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ કહે છે કે, જયરાજસિંહ ભાઈ આપણા મોટા ભાઈ છે પણ સમાધાનની વાત આવશે તો કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી.
છેલ્લા એક સપ્તાહથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વખતે ક્ષત્રિય સમાજ સાથેના વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટેની જવાબદારી ભાજપ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આપવામાં આવી છે. જેને લઈ આજે ગોંડલ ખાતે સાંજના સમયે જયરાજસિંહ જાડેજાની હાજરીમાં ક્ષત્રિય રાજપૂત સમાજની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્ષત્રિય રાજપુત ધારાસભ્યો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ક્ષત્રિય રાજપૂત સમાજની સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓ તેમજ સ્નેહીજનો ઉપસ્થિત રહેશે.
વાઇરલ થયેલા ઓડિયોમાં પદ્મિનીબા વાળા જણાવે છે કે, જયરાજસિંહભાઈ આપણા વડીલ ભાઈ છે, પરંતુ સમાધાનની વાત કરવાની થતી જ નથી. કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. આ વખતે વાત આપણી સમાજની બહેનો-દીકરીઓ ઉપર આવી છે. દર વખતે આવું થાય છે અને આને કારણે જ આપણો સમાજ પાછળ રહી ગયો છે. બધાનું માન રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની? અમારે બહેનો-દીકરીઓને શું સમજવાનું? આમાં સમાધાન શું કામ? સમાધાન કરીને શું સમજવાનું? સાચું અને સારું રિઝલ્ટ આવે એક જ સમાધાન છે. રૂપાલાની ટિકિટ રદ થાય તો જ સમાધાન કરવામાં આવશે. શું કામ માફ કરવા જોઈએ?