શહેરના સોરઠીયાવાડીમા આવેલી 50 વર્ષ જૂની પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરી દેવામાં આવી છે. જેનાથી લોકો હેરાન થતા હોય આ પોસ્ટ ઓફિસ નજીકના વિસ્તારમાં જ ફરી કાર્યરત કરવા રજુઆત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ વોર્ડ નં.14ના પ્રમુખ બીજલભાઇ ચાવડીયાએ હેડ ઓફિસને લખેલા પત્રમાં જણાવ્યુ કે સોરઠીયાવાડીમાં આવેલી 50 વર્ષ જુની પોસ્ટ ઓફિસમાં 18થી 20 હજાર ગ્રાહકો, રામનાથપરા, કોઠારીયા કોલોની, જયરાજ પ્લોટ, જિલ્લા ગાર્ડન, લલુડી વોંકળી, કેવડાવાડી, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, ખોડીયારનગર, આંબેડકરનગર, આજી વસાહત વિસ્તારોના લોકો લાભ લેતા હતા.
નાની બચત, વિધવા સહાય, સુક્ધયા સમૃધ્ધિ યોજના, સેવીંગ એકાઉન્ટના કામ અહીં સબપોસ્ટ ઓફિસમાં થતા હતા. પરંતુ એકાએક પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ પોસ્ટ ઓફિસમાંથી સીનીયર સીટીઝન તથા અન્ય ગ્રાહકોને દેવપરામાં શીફટ કરાતા ત્યાં જવામાં મુશ્કેલ પડી રહી છે. આથી સોરઠીયાવાડી સર્કલ આજુબાજુના જ વિસ્તારમાં આ પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.