અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામમંદિરના અભિષેકની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને તમામ અગ્રણી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપે એવી અપેક્ષા છે. સરકાર આ સમારોહને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડવા માગતી નથી. ભગવાન શ્રીરામલલ્લાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. લાઈટિંગ-ફિટિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.
રામમંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, હવે દરવાજા તૈયાર થઈ રહ્યા છે. રામમંદિરના ભોંયતળિયાના 14 સુંદર દરવાજા મહારાષ્ટ્રથી લાવવામાં આવેલા સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવ્યા છે અને એને તાંબાથી કોટિંગ કરવામાં આવ્યા છે અને પછી એને સોનાથી જડવામાં આવશે. આ કામમાં રોકાયેલા કામદારો હૈદરાબાદ સ્થિત કંપનીના છે અને તામિલનાડુના કન્યાકુમારીના છે.
દરવાજાઓની સુંદરતા અને વિશેષતાઓ સોનાથી જડેલી અને સુંદર કોતરણીવાળી ડિઝાઇન છે, દરવાજાઓને આખરી ઓપ આપવા માટે, એને દિલ્હી મોકલવામાં આવ્યા છે, જ્યાં એને કોટ કરવામાં આવશે. આ દરવાજાઓ પર ભવ્યતાનું પ્રતીક, ગજ (હાથી), સુંદર વિષ્ણુ કમળ, સ્વાગતની મુદ્રામાં દેવીની મૂર્તિઓ અંકિત કરવામાં આવી છે.