સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી શરીફુલ ઈસ્લામને બુધવારે (29 જાન્યુઆરી) પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
અહીં મંગળવારે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અધિક પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયાએ કહ્યું કે, ‘અમે આ કેસમાં શરીફુલ ઈસ્લામની ધરપકડ કરી છે, તે સાચો આરોપી છે.’ તેમણે કહ્યું કે અમારી પાસે આ આરોપી વિરુદ્ધ ઘણા મજબૂત પુરાવા છે.
દહિયાએ એમ પણ કહ્યું કે કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફના ઘરેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી. અમે ફિંગરપ્રિન્ટ્સની તપાસ કરી રહ્યા છીએ, હજુ સુધી અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.
16 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તેને હાથ, કરોડરજ્જુ અને પીઠ પર ઈજાઓ થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં 5 દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી હતી.