બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી, જોકે હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી દીધી છે કે જેની ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી, એટલે કે ઘટનાના 38 કલાક બાદ પણ પોલીસના હાથ હજુ ખાલી છે. અત્યારસુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે. દરેક ટીમને અલગ-અલગ કાર્ય મળ્યું છે
મુંબઈ પોલીસ સવારે જે વ્યક્તિની અટકાયત કરી હતી તેનું નામ શાહિદ છે. પોલીસે ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ અગાઉ હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે, જોકે આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જોકે મુંબઈ પોલીસે આ દાવાને ફગાવી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે શુક્રવારે સવારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોર જેવા દેખાતા ઘણા લોકોની પૂછપરછ કર્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી, જોકે અટકાયત કરાયેલી વ્યક્તિ વાસ્તવિક ગુનેગાર નથી અને હાલ તેને છોડી દેવામાં આવી છે.