શહેરમાં કોઠારિયા રોડ પર આનંદનગરમાં રહેતા અને ઇલેક્ટ્રિકના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા યુવકે હાથ ઉછીના આપેલા રૂ.1.58 લાખ તેના મિત્રએ નહીં આપી ઠગાઇ કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આનંદનગરમાં રહેતા અને નાનામવા સર્કલ પાસે ઇમ્પિરિયલ હાઇટ્સમાં વિજય ઇલેક્ટ્રિક નામના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા ધીરેનભાઇ અશોકભાઇ ધાબલિયાએ ફરિયાદ કરી હતી જેમાં અારોપી તરીકે કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટરમાં રહેતો તેનો મિત્ર હર્ષ ગુણવંતભાઇ સોમૈયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલાં તેના ઘેર હતા ત્યારે તેના મિત્રનો ફોન આવ્યો હતો અને તેને રૂપિયાની જરૂર હોય તેનું ક્રેડિટ કાર્ડ આપવાનું કહ્યું હતું અને તેને નવા ફોનની ખરીદી કરવી હોય ચાર-પાંચ દિવસ બાદ તમારા કાર્ડમાં હું રૂપિયા ભરી આપીશ જેથી તેને કાર્ડ આપ્યું હતું અને ત્યાર બાદ તેના ખાતામાંથી રૂ.1.58 લાખ ઉપાડી લીધા હોય. ત્યાર પાંચ દિવસ બાદ તેને પૈસા ભરી દેવાનું કહી નહીંતર મારે પેનેલ્ટી આવશે તેમ કહ્યું હતું અને તેને મારા પર ભરોસો રાખો હું પૈસા ભરી દઇશ કહ્યું હતું અને ત્યાર તેને બીમારી સબબ દાખલ કરવામાં આવતા તે હોસ્પિટલે ખબર કાઢવા ગયા હતા ત્યારે તેને સારું થાય પછી તમારા પૈસા આપી દેવાનું કહેતા મેં તેને માનવતાની ખાતર પછી આપી દેવાનું કહ્યું હતું. દરમિયાન અવાર-નવાર વાયદાઓ આપી તેને અન્ય કેટલાક લોકો સાથે પણ ઠગાઇ કર્યાનું જાણવા મળતાં પોલીસ કાર્યવાહી કરી છે.