રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં સેલ્ફી અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાના ક્રેઝે બે મિત્રોનો જીવ લીધો હતો. માલધારી ફાટક પાસે રેલવે ટ્રેક પર ઉભા રહીને ફોટા પડાવવા ગયેલા મિત્રોને એ વાતનો અંદાજ પણ નહોતો કે સામેથી આવી રહેલી વંદે ભારત ટ્રેન તેમની જિંદગીની છેલ્લી ક્ષણ સાબિત થશે. આ અકસ્માતમાં 20 વર્ષીય સંદીપ પટેલ અને 23 વર્ષીય સંદીપ કોહરી નામના બે યુવાનોના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી કરુણ મોત નીપજ્યા હતા. જેને લઈ બે પરિવારોએ પોતાના ઘરના ચિરાગ ગુમાવ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સોમવારની સાંજે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા રાજકમલ ફાટકથી માલધારી ફાટક વચ્ચે આ કરુણાંતિકા સર્જાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનો મિત્રો સાથે રેલવે ટ્રેક પર સેલ્ફી લેવા ગયા હતા. તે સમયે પોરબંદર તરફથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે આ યુવાનો આવી ગયા હતા. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનનો વેગ એટલો પ્રચંડ હતો કે યુવાનોને બચવાની કોઈ તક મળી નહોતી.
એક યુવાનનો મોત સામે જંગ આ ઘટનામાં કુલદીપ નામનો યુવાન ચમત્કારિક રીતે બચી ગયો છે, જે આ સમગ્ર ઘટનાનો પ્રત્યક્ષદર્શી પણ છે. કુલદીપના જણાવ્યા અનુસાર, તમામ મિત્રો સાંજના સમયે ટ્રેક પર ફોટા લઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી પહોંચી હતી. આ અકસ્માતમાં કપિલદેવ પટેલ નામનો અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.