રાજકોટ શહેરમાં 557 કરોડના લોકાર્પણ-ખાતમૂહુર્ત શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શહેર ભાજપના તમામ કોર્પોરેટરને મળ્યા હતા અને બે કોર્પોરેટરે શહેરમાં ચાલી રહેલા તોડ-ભ્રષ્ટાચાર બાબતે જાહેરમાં રજૂઆત કરી હતી, મુખ્યમંત્રીએ પણ રાજકોટમાંથી આવી ફરિયાદો સતત આવી રહ્યાનું કહી એક હોદ્દેદાર સામે તિરછી નજર પણ કરી હતી. લોકાર્પણનો કાર્યક્રમ પૂરો થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વોર્ડ નં.1 થી 9ના અને ત્યારબાદ 10 થી 18ના ભાજપના કોર્પોરેટરોને મળ્યા હતા, અનેક કોર્પોરેટરોએ અનેકવિધ રજૂઆતો કરી હતી પરંતુ એક મહિલા સહિત બે કોર્પોરેટરે મુખ્યમંત્રીને પણ કલ્પના ન હોય તેવી રજૂઆત કરતાં થોડીવાર માટે સોંપો પડી ગયો હતો.
બંને કોર્પોરેટરે કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં કેટલાક નેતાઓની નજર હેઠળ સૂચિતમાં બાંધકામ કરવા દેવામાં આવે છે અને ત્યાર પછી બે ત્રણ વર્ષ બાદ તે નેતાઓના ઇશારે જ ડિમોલિશનની નોટિસ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવે છે, આમ સુચિતમાં બાંધકામ કરવા દેતી વખતે પણ વહીવટ થાય છે અને નોટિસના નામે પણ તોડ કરવામાં આવે છે, બેડી ચોકડીના પુલ બાબતે પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા કોર્પોરેટરે કહ્યું હતું કે, મહાનગરપાલિકા ગેરકાયદે બાંધકામને નોટિસ આપી રહી છે પરંતુ શહેરના એક ધારાસભ્યની અગાઉ જ્યાં ઓફિસ હતી ત્યાં હાલમાં પાંચ માળનું બિલ્ડિંગ બની ગયું છે, તે બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદે છે છતાં મહાનગરપાલિકાએ તેને કોઇપણ પ્રકારની નોટિસ આપી નથી, જ્યારે અન્ય લોકોને નોટિસના નામે ડરાવી ધમકાવી પૈસા પડાવવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા સહિત બે કોર્પોરેટરની મહાનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ અને કેટલાક નેતાઓના ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી પટેલે મનપાના એક મહત્વના પદાધિકારી સામે તિરછી નજરે જોઇને તેમને કેટલાક સંકેતો આપ્યા હતા અને મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, રાજકોટમાં ભ્રષ્ચારની ફરિયાદો ખુબ આવે છે.