શહેરના રાજીવનગરમાં રહેતા આધેડ પર તેના પુત્ર સહિત બે શખ્સે પાઇપથી હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા આધેડને હોસ્પિટલમાં ખસેડાયા હતા, આધેડે તેના પુત્રને સુરાપુરાએ જવાની ના કહેતા પુત્રે ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો. જામનગર રોડ પરના રાજીવનગરમાં રહેતા વિપુલભાઇ અમૃતલાલ મારૂ (ઉ.વ.48)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પુત્ર મીત મારૂ અને હિરેન લોહાણાના નામ આપ્યા હતા. વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે 28 વર્ષ પહેલા રંજનબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, લગ્નજીવન દરમિયાન પુત્ર મીત અને પુત્રી કેરવીની પ્રાપ્તી થઇ હતી. 2015થી પોતે તેમના પત્ની અને સંતાનોથી અલગ રહે છે, અને પત્ની રંજનબેન છુટાછેડા પણ આપતા નથી. શુક્રવારે વિપુલભાઇ ગાંધીગ્રામમાં આવેલી તેમના પુત્ર મીતની દુકાને ગયા હતા અને પુત્રને કહ્યું હતું કે, પોરબંદરના આદત્યાણામાં આવેલા સુરાપુરા દાદાના મંદિરે જતો નહી. આ વાત સાંભળી પુત્ર મીત ઉશ્કેરાયો હતો અને તેણે તેના પિતા વિપુલભાઇને ગાળો ભાંડી પાઇપના ઘા ઝીંક્યા હતા તે વખતે ધસી આવેલા હિરેન મહેશ પુજારાએ પણ મારમાર્યો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. અને હુમલામાં ઘવાયેલા વિપુલભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આધેડની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.