શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુડકો ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ વચ્ચે સુરતથી રાજકોટ તરફ આવતી બે ખાનગી બસમાં અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી કાચ ફોડી નાંખતા ભયનો માહોલ ઉભો થયો હતો.
અગાઉ પણ અનેકવાર આ જ વિસ્તારમાં અનેક ખાનગી બસના કાચ તૂટ્યાના બનાવો બન્યાં હોય જે મામલે 10 દિવસ પહેલા જ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં સ્થાનિક પોલીસે તે આવેદનને નજર અંદાજ કર્યો હોય તેમ રાત્રિના સમયે પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ફરી બસના કાચ તૂટતા મુસાફરોમાં ભય ફેલાયો હતો.
શહેરના 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્ક શેરી નં. 1 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ મુછડીયા (ઉ.વ. 49)એ મલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવું છુ અને મારા માતા લક્ષ્મીબેન (ઉ.વ. 80) દાસી જીવણપરા શેરી નં. 05 માં મારા ભાઈ અશ્વિનભાઈ મુછડીયા સાથે રહે છે.
ગઈકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા નં. જીજે 03 એયુ 7239 લઈને મારા માતાના ખબર અંતર પૂછવા માટે તેઓના ઘરે ગયો હતો અને રીક્ષા બહાર શેરીમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપત ભટ્ટ તથા તેનો દીકરો હાર્દિક ભટ્ટ અને એક અજાણ્યો શખ્સ બહાર શેરીમાં ઉભા હતા અને મને કહ્યું કે અહી તારે આવવું નહી નહિતર અમો તને જાનથી મારી નાખીશું. જે બાદ બાદ મને જ્ઞાતી પ્રત્યે હડધુત કરે તેવા શબ્દો બોલવા લાગ્યા હતા.