સુરત રહેતા લિનેશભાઇ કિશોરભાઇ ગજજર (ઉ.વ.52) નામના આધેડ રાજકોટમા રહેતા તેના પુત્ર જયના ઘરે આંટો મારવા આવતા હતા. દરમિયાન રાજકોટમાં પુનીતનગર પાસે વાવડી પોલીસ ચોકી સામે ચાલુ બસમા જ ઝેરી દવા પી લીધી હતી. જેથી બસ ચાલકે આધેડના પુત્રને જાણ કરતા પુત્ર જય દોડી ગયો હતો અને પિતાને ગંભીર હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે પહોંચી આત્મહત્યાના પ્રયાસનું કારણ શું તે જાણવા તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ જીંજરીયા નામના 49 વર્ષના યુવકે સાંજના 7.30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા, ત્યારે જમાઈ પંકજ સહિતના અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા રમેશભાઈ જીંજરીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ જીંજરીયાની પુત્રી શિવાનીબેનના ત્રણ વર્ષ પહેલા પંકજ સાથે લગ્ન કર્યા હતા. પંકજ પત્ની શિવાનીને અવારનવાર ત્રાસ આપતો હતો અને સાત મહિના પહેલા માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી, ત્યારથી શિવાનીબેન અનમોલ પાર્કમાં રહેતા પિતા રમેશભાઈ જીંજરીયાના ઘરે રિસામણે બેઠી છે. ગઈકાલે જમાઈ પંકજ તેની માતા અને તેની માસીજી સહિત ત્રણ મહિલા શિવાનીબેનને તેડવા આવ્યા હતા અને બળજબરીથી શિવાનીને સાથે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રમેશભાઈ જીંજરીયા અને તેમની પત્ની વચ્ચે પડતા રમેશભાઈ જીંજરીયાને માર માર્યો હતો. જ્યારે સાસુ મંજુબેનને હાથમાં બચકા ભરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના આધારે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.