સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજનીકુમાર શ્રવણ કુમાર જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશની કોલેજમાં બિફાર્મનો અભ્યાસ કરે છે. સુખપ્રીત કૌર સાથે સુરતમાં લિવ ઇનમાં રહેતા યુવક સાથે મળી સુખપ્રિત કૌર પર અત્યાચાર ગુજારતો હતો. મરતા પહેલા પણ કોન્ફરન્સ કોલમાં સુખપ્રિતની સાથે વાત થઈ હતી જેમાં પણ અનુરાગે અપશબ્દો કહેતા માઠું લાગી આવતા આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેઈલિંગથી કંટાળી મોડલને આપઘાત કરવા મજબૂર બની હોવાનું 18 સપ્ટેમ્બર, 2025ના સામે આવ્યું હતું. સંબંધ તોડી નાખવા બદલ આરોપી મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતાં. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસે ચાર મહિને આરોપીને ઝડપ્યો હતો.
મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર એપ્રિલના એન્ડમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુરતમાં મોડલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી.