સુરતના પર્વત ગામ વિસ્તારમાં પાલિકા સંચાલિત ગાર્ડનના જર્જરિત લોખંડનો ગેટ તૂટી પડતા એક માસૂમ 3 વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય માસૂમ બાળકો ઇજાગ્રસ્ત છે. આ દુર્ઘટનાને કારણે મૃતક બાળકના પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટના બાદ પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ આર્યન સંજય સુવલિયા (ઉંમર 3 વર્ષ) છે. આર્યનનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મજૂરીકામ માટે સુરત આવ્યો છે. પર્વત ગામના આ ગાર્ડન પાસે મજૂરીકામ ચાલતું હોવાથી આર્યન અને અન્ય બે બાળકો ગેટ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગાર્ડનનો જર્જરિત અને ભારે લોખંડનો ગેટ તૂટી પડ્યો હતો.