મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે, ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જોકે, સુરત પોલીસની સતર્કતાએ આ ‘ભિખારી ગેંગ’ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
માતાની નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં બાળકીને લઈ અદ્રશ્ય મૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં, ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે, પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.