રાજકોટ જિલ્લાના 500થી વધુ હોમગાર્ડને એક સાથે ફરજ મોફુકનો ઓર્ડર અપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા કમાન્ડન્ટ કેતન કાનાણીએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં 672 હોમગાર્ડનું મહેકમ છે, તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ 500 જેટલા હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે. જેમાં રાજકોટ યુનિટને લગત હોમગાર્ડ જવાનોને અન્ય જિલ્લાઓમાં ફરજ પર જવાનું હોય છે જે અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ફાળવવામાં આવતા રાજકોટ હોમગાર્ડ યુનિટના જવાનોની અન્ય જિલ્લામાં ડ્યૂટી ફાળવણીમાં કેટલાક જવાનો અલગ અલગ ગેર વ્યાજબી બહાના બતાવી ફરજ પર હાજર રહેતા ન હતા તેમજ હાલમાં સુરતમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવમાં મોટા પ્રમાણમાં હોમગાર્ડ જવાનોની જરૂરિયાત હોવાથી સરકાર તરફથી કુલ 3800 જેટલા હોમગાર્ડ જવાનો ફાળવવામાં આવ્યા હતા.
જેમાં રાજકોટ યુનિટમાંથી પણ 350 હોમગાર્ડ જવાનોને ફરજ પર મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે 350 જવાનોએ ગેરવ્યાજબી કારણ બતાવી પોતાની ફરજ પર હાજર થયા ન હતા જેને લઇ કેટલાક સમયથી હોમગાર્ડ જવાનો દ્વારા બહારના જિલ્લાઓમાં ફરજ પર જવામાં ગેર વ્યાજબી કારણો બતાવી હાજર ન થતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે આગળ જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી તેઓ ફરજ બજાવી શકશે નહીં.