સુરતમાં બે સગા રત્નકલાકાર ભાઈએ જિંદગી ટૂંકાવી

સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંબંધીના જણાવ્યા અનુસાર બન્ને ભાઈએ હોમલોન લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે, મૂળ વલ્લભીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલાં પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને બે દીકરા અને બે દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો. ચારેય સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે. પરિવારના બે દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. મોટો પાંચ વર્ષ અને નાનો માત્ર પાંચ મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. તેને હજુ સંતાન નથી.

પિતાના અવસાન બાદ સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. 8 વર્ષ પહેલાં અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી નહોતી. જોકે, પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતા હોમલોન લઈને આ ફ્લેટ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *