સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે. વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગતરાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો. જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી.
મહિલા બુટલેગરનો પુત્ર પ્રેમિકા સાથે બેઠો હતો મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.