સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ

સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ ‘જનતા રેડ’ મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ રેડ દરમિયાન એક ‘શોખીન’ વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા-પીતા નીકળી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા.

સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ ‘જનતા રેડ’ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મીની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વીડિયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા. ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો “દારૂબંધીના નામે ધતિંગ બંધ કરો” ના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા. કેટલાક તો બૂટ-ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *