સુરતમાં જ્વેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટ

સુરતના ડિંડોલી-કરાડવા રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોઢે કાળું કપડું બાંધીને આવેલા એક અજાણ્યા શખસે વેપારીને લોખંડના સળિયા વડે ડરાવી કુલ 3.57 લાખની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

લોખંડનો સળિયો બતાવી વેપારીને ફાળ પાડી મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની અને હાલ ડિંડોલીમાં રહેતા હરિસિંગ માનસિંગ કિતાવત (રાજપૂત) પોતાની શ્રીનાથ સોસાયટીમાં આવેલી ‘મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામની દુકાન પર હાજર હતા. બપોરના આશરે 1:45 વાગ્યા આસપાસ એક 30થી 35 વર્ષની વયનો અજાણ્યો શખસ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યો હતો. આ શખસે કાળા રંગના કપડાં પહેર્યા હતા અને ઓળખ છુપાવવા મોઢે કાળું કપડું બાંધ્યું હતું. તેણે અચાનક લોખંડનો સળિયો કાઢી વેપારી પર હુમલો કરવાનો ભય બતાવી તેમને બાનમાં લીધા હતા.

લૂંટારુએ વેપારીને ડરાવીને દુકાનમાં રહેલા કિંમતી સામાન પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરે દુકાનમાંથી ચાંદીની 22 નંગ મૂર્તિઓ (જેની અંદાજિત કિંમત 33,000) અને તિજોરીના ખુલ્લા લોકરમાંથી 24 જોડી સોનાની બુટ્ટીઓ જેનું વજન 36 ગ્રામ (અંદાજિત કિંમત 3,24,000) ની લૂંટ કરી હતી. આમ, કુલ મળીને 3,57,000 ના દાગીનાની લૂંટ ચલાવી આરોપી પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *