સુરતની એજન્સીએ 15 સર્કલનો રિપોર્ટ સોંપ્યો

રાજકોટમાં છેલ્લા થોડા વર્ષોમાં વકરેલી ટ્રાફિક સમસ્યા પર મહાપાલિકા તેમજ પોલીસ તંત્ર સમયાંતરે અભ્યાસ અને સર્વે કરાવે છે. જેમાં વાહનોની વધતી સંખ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ, એન્જીનિયરિંગ સુધારણાના ઘટતા પ્રયાસો તેમજ શહેરનાં મુખ્ય ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા સુરતની એજન્સીને આવા 15 સર્કલનો સર્વે કરવા કામ સોંપવામાં આવ્યું હતું. જે સર્વે પૂર્ણ થતાં એજન્સી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં કિસાનપરા ચોક સહિતના 9 સર્કલ રિ-ડિઝાઇન કરવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે કટારીયા ચોક અને બેડી સર્કલ ખાતે બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી તેને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ, સીસીટીવી અને ઓન રોડ કરાયેલા ટ્રાફિકના અભ્યાસ અંગે સુરતની એસવી એનઆઇટી સંસ્થાએ મનપાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા તથા કમિશ્નરને રિપોર્ટ સોંપ્યો છે. 15 સર્કલના એન્જીનિયરિંગ સર્વે અને ડિઝાઇન પૈકી બે ચોકના સર્કલ બેડી ચોક અને કટારીયા ચોક રદ કરવામાં આવ્યા છે. કારણ કે, આ બંને ચોકમાં ભવિષ્યમાં ઓવરબ્રિજ બનવાના છે. જ્યારે 9 સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરીને નવા રી-ડિઝાઇન રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યા છે. તેમાં સ્પીડવેલ ચોક, સોરઠીયાવાડી, સ્વામિનારાયણ ચોક, મોકાજી સર્કલ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, મોટી ટાંકી ચોક, વગડ ચોક અને કોટેચા ચોકનો સમાવેશ થાય છે. સ્પીડવેલ ચોકમાં બે સર્કલ બન્યા છે. સોરઠીયાવાડી સર્કલ આસપાસ ગાર્ડન ટુંકાવવાની જરૂરીયાત દર્શાવાઇ છે અને સ્વામિનારાયણ ચોકનું સર્કલ સેન્ટરમાં લેવાની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *