મનપાની આરોગ્ય શાખાએ હુડકો ક્વાર્ટર પાસેથી અગાઉ બે ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણમાં નિષ્ફળ જતાં એજ્યુડિકેશન કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા મેઇન રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે હુડકો ક્વાર્ટર ખાતે ‘સુદ્ધાંગ ડેરી ફાર્મ’માંથી લેવામાં આવેલો ખાદ્યચીજ “મિક્સ દૂધ (લૂઝ)’ નો નમૂનો તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ તથા SNF નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ’ (ફેલ) જાહેર થયેલ છે.
આ ઉપરાંત હુડકો ક્વાર્ટર બસ સ્ટોપ પાસે આવેલી ‘શ્રી નવનીત ડેરી ફાર્મ’ લેવામાં આવેલ ખાદ્યચીજ ‘ભેસનું દૂધ (લૂઝ)’ નો નમૂનો તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ’ (ફેલ) જાહેર થતા તેની સામે પણ એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
બે સ્થળેથી શરબત, સિરપના 4 નમૂના લેવાયા મનપાની ફૂડ વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત પેડક રોડ પર પાણીના ઘોડા ચોક પાસે આવેલા સાગર શરબતવાલામાંથી પિસ્તા ફ્લેવર શરબતનું સિરપ, માવા બદામ આઇસક્રીમ અને 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા સાહેબ ગોલામાંથી બરફના ગોલાનું કેડબરી ફ્લેવર સિરપ અને ઓરેન્જ ફ્લેવર સિરપના નમૂના લઇ તપાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.