શહેરના પારેવડી ચોક, કૈસરે હિન્દ પુલ પાસે પગપાળા જઈ રહેલા 53 વર્ષીય પ્રૌઢાને અજાણ્યા બાઇકચાલકે અડફેટે લેતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસે બાઈકને ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, શહેરના પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.5માં રહેતા જયાબેન વિજયભાઈ મકવાણા(ઉં.વ.53) નામના પ્રૌઢાનું શનિવારે સવારે કૈસરે હિંદ પુલ પાસે સિવિલ હોસ્પિટલ તરફ ચાલીને જતી વેળાએ બાઈકની ઠોકરે ચડી જતાં મોત નીપજ્યું છે.
પ્રૌઢાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવારમાં મોત નીપજ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યા મુજબ, જયાબેન મકવાણા તેમના કોઈ પરિચિતની ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. દરમિયાન કૈસરે હિન્દ પુલ નજીક પહોંચતા જ પૂરપાટ ઝડપે ધસી આવેલા એક બાઇકસવારે વિજયાબેનને અડફેટે લેતા તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું. જેમાંથી એક રાહગીરે પ્રૌઢાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું છે.