સિવિલમાં ખાડાને કારણે વૃદ્ધ વ્હીલચેર પરથી ગબડ્યાં

રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું સારવાર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ દર્દીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિસ્માર રોડ અને જોખમી ખાડાઓને કારણે ગઈકાલે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેમાં વ્હીલચેર પર જઈ રહેલા એક વૃદ્ધ દર્દી રોડ પરના ખાડામાં વ્હીલચેર ફસાવાને લઈ રસ્તા પર પટકાયા હતા. આ દૃશ્યો જોઈને આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે વૃદ્ધને ફરી વહીલચેરમાં બેસાડયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેમપ્સનાં રસ્તાઓ પ્રત્યે તંત્રની લાપરવાહીને લઈ લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, 24 જાન્યુઆરીના રોજ સિવિલમાં એક વૃદ્ધ દર્દીને હોસ્પિટલના એક વિભાગમાંથી બીજા વિભાગમાં વ્હીલચેર દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રોડ વચ્ચે જ એક મોટો ખાડો અને તિરાડ પડેલી છે. વ્હીલચેરનું ટાયર આ ખાડામાં આવી જતાં અચાનક સંતુલન બગડ્યું હતું અને વૃદ્ધ દર્દી સીધા રોડ પર ગબડી પડ્યા હતા. આ બનાવ બનતા જ આસપાસ ઉભેલા લોકો અને દર્દીના સંબંધી તાત્કાલિક દોડી આવ્યા હતા. આ વૃદ્ધ જમીન પર પટકાયેલા હોય તેમને ઉભા કરવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *