સિવિલના ટીબી વોર્ડના બાથરૂમની બારીમાં લટકી જઇ દર્દીનો આપઘાત

અઠવાડિયા પહેલાં જ શાપર-વેરાવળ ખાતે રહેતા જમાઇના ઘરે ટીબીની સારવાર માટે આવેલા પ્રૌઢને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રાત્રે ટીબી વોર્ડના બાથરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શાપર-વેરાવળ શાંતિધામમાં હાલ જમાઇના ઘરે રહેતા મધ્યપ્રદેશના કૈલાસભાઈ માંગીલાલ ચંડેલ(ઉ.વ.56) નામના પ્રૌઢને મંગળવારે એકાદ વાગ્યે ટીબીની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં રાત્રીના કૈલાસભાઇએ વોર્ડના બાથરૂમમાં જઇ પોતે પહેરેલું પેન્ટ બારી સાથે ટાંગી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. કૈલાસભાઇને તેના પુત્ર બાથરૂમમાં લઇ ગયા બાદ આ પગલું ભરી લીધું હતું. પંદર મિનિટ સુધી બહાર ન આવતાં નજીકના લોકોએ સાથે મળી દરવાજો તોડી અંદર તપાસતા તે લટકતાં જોવા મળતાં અરેરાટી મચી ગઈ હતી. વોર્ડના સ્ટાફ દ્વારા બેભાન હાલતમાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતા. જ્યાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. બીમારીથી કંટાળી જઈ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *