સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે યોજાતા પારંપરિક કાત્યોકનો મેળો બરાબરનો જામ્યો છે. મેળા પરથી માવઠાનું સંકટ દૂર થયા બાદ લોકો મનભરીને મેળો માણી રહ્યા છે. મેળો હવે પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે ત્યારે પગ મૂકવાની જગ્યા મુશ્કેલ બની છે. રાત્રિના સમયે વિવિધ રાઈડની રંગબેરંગી લાઈટ્સના કારણે મેળાની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા છે. ત્યારે કાત્યોકના મેળાનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ કરાયો હતો.
સિદ્ધપુરમાં યોજાયેલા કાત્યોકના મેળામાં નાની મોટી 20 જેટલી રાઈડ્સ લગાવવામાં આવી છે. જેમાં કરવામાં આવેલી રંગબેરંગી લાઈટ્સના કારણે રાત્રિના સમયે મેળાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. રાત્રિના સમયે ડ્રોન કેમેરામાં મેળાના નયનરમ્ય દ્રશ્યો કેદ થયા હતા.
સરસ્વતી નદીના કાંઠે યોજાય છે સાત દિવસીય મેળો
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે કાર્તિક પૂર્ણિમા નિમિતે પરંપરાગત રીતે સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં વસતા લોકો માટે કાત્યોકના મેળાનું વિશેષ મહત્વ છે. અહીં પાટણ ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા આવે છે. આ વર્ષે આજે જ સાત દિવસીય મેળાની અવધી પૂર્ણ થતી હતી. પરંતુ, માવઠાના કારણે મેળો એક દિવસ બંધ રાખવો પડ્યો હતો. રાઈડના સંચાલકો અને પાથરણા વાળાઓની રજૂઆત બાદ બે દિવસ મેળો લંબાવવામાં આવતા રવિવારે સમાપન થશે.