રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળ આવેલા વોર્ડ નં.3માં સિંધી કોલોનીમાં રહેણાકની જગ્યામાં ગેરકાયદે બાંધકામો પર ટાઉન પ્લાનિંગ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને 1100 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર. પટેલની સૂચના અનુસાર તથા એડિ. સિટી એન્જિનિયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 9મીએ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં રુદ્ર રેસિડેન્સીની સામે તથા જંક્શન પ્લોટ વિસ્તારમાં સિંધી કોલોનીમાં રહેણાકમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ શાખાએ મનપાની માલિકીની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અંદાજે 1100 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
આ કામગીરીમાં ટાઉન પ્લાનિંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્ર.નગર પો.સ્ટે.ના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.