ગુજરાતીઓની જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશાં પોતાના વેપાર-ધંધા માટે વિશ્વવિખ્યાત છે. આ સાથે વિશ્વમાં સૌથી વધુ દેશોમાં ફરનાર લોકો પણ ગુજરાતીઓ જ છે, ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ખરેખર ગુજરાતીઓની વેપારની કોઠાસૂઝ સારી છે પણ તેમની પાસે ટ્રાફિક સેન્સના નામે કંઈજ નથી.
એક તરફ ગુજરાતમાં આપણે વર્લ્ડક્લાસ શહેરો બનાવવાની વાત કરીએ છીએ અને તે પણ સિંગાપોર અને શાંઘાઈ સાથે તૂલના કરીએ છીએ, પરંતુ ગુજરાતનાં ચાર મહાનગરોના લોકોમાં ટ્રાફિક સેન્સ જેવું કંઇ જોવા મળતુ નથી. ગુજરાતના ચારે મહાનગરોમાંથી ટ્રાફિક ભંગના શરમજનક આંકડા સામે આવ્યા છે. જેમાં અમદાવાદીઓ મોખરે છે તો બીજા નંબરે રાજકોટ અને પછી ક્રમશ: સુરત અને વડોદરાના લોકો આવે છે.
ટ્રાફિક સેન્સને લઈને જો અમદાવાદીઓની વાત કરવામાં આવે તો અમદાવાદીઓએ એક વર્ષમાં એટલું બધું ટ્રાફિકના નિયમનું ઉલ્લઘન કર્યું છે કે, આ આંકડો 100 કરોડને પાર કરી ગયો છે. એટલું જ નહીં આ રકમ એટલી મોટી છે કે જેમાં અમદાવાદના મોટા પ્રોજેક્ટ પૈકીનો હાલ ચાલી રહ્યો છે તે પલ્લવ બ્રિજ બની શકે છે અને તેનું બજેટ પણ શહેરીજનોના ટ્રાફિક નિયમ ભંગના દંડ જેટલું જ છે.