સાસુ-સસરા સામે ફરિયાદ કરનાર યુવક પર હુમલો કરાયો

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડીના પુલ નીચે રહેતા યુવક પર તેના સાળા સહિત ત્રણ શખ્સે છરી ધોકાથી હુમલો કર્યો હતો. યુવકે તેના સાસુ-સસરા સામે ફરિયાદ કરતાં તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. રામાપીર ચોકડી નજીક પુલ નીચે રહેતા જીતુ વલ્લભ રાઠોડે (ઉ.વ.32) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુબલિયાપરામાં રહેતા તેના સાળા નિલેશ ઉર્ફે દોઢિયો ભરત પરમાર તથા નિલેશનો ભાણિયો પવન નિતેશ ઝાલા અને પ્રેમ વિનોદ કડેવારના નામ આપ્યા હતા.

જીતુ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે તેણે તેના સાસુ-સસરા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યે જીતુ અને તેની પત્ની પુલ નીચે સૂતા હતા ત્યારે નિલેશ પરમાર સહિતની ત્રિપુટી ધસી આવી હતી અને જીતુને ગાળો ભાંડ્યા બાદ નિલેશે છરીના ઘા ઝીંક્યા હતા તો અન્ય બે આરોપીએ ધોકા માર્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલી જીતુની પત્ની ગીતાબેનને પણ ઇજા થઇ હતી. ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા જીતુને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *