સામાન્યસભા બાદ ભાજપ-આપ વચ્ચે બથંબથી ને ખેંચાખેંચીથી મનપા ઓફિસ સમરાંગણ બની, મેયર માવાણીએ મૂઠીઓ વાળી

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ ગરમાગરમી દરમિયાન ‘આપ’ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં મામલો વધુ બિચકાયો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરોએ આ લેપટોપ તોડ્યું છે કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી હતી.

સ્થિતિ એટલી હદે વણસી હતી કે ‘આપ’ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથપાઈ થતા રહી ગઈ હતી, જ્યારે ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કર્યો હતો કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા વિવાદ વધ્યો હતો. અંતે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

‘ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ! ’ સામાન્ય સભા બાદ સુરત મહાનગરપાલિકાની કચેરીમાં યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર રચના હિરપરાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને કહ્યું હતું કે, ‘તમારાથી કશું થાય નહીં; ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ! પહેલા મેયર દક્ષેશ માવાણી ભાગ્યા હતા, હવે તમે લોકો ભાગો છો. હવે તમને ડર લાગે છે, જવાબ દેવો અઘરો લાગે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *