ફરિયાદી હિતેશકુમાર દલપતભાઇ ચૌહાણ (ઉં.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરું છું. મારી પાસે જીજે.14.એબી.3817 નંબરનું બાઈક છે. ગઈકાલે બપોરના હું મારુ બાઈક લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા પોસ્ટ ઓફિસમાંથી આર્ટીકલ (ટપાલ)નો જથ્થો બે થેલામાં લઈ નીકળો હતો. ટપાલ આપવા જતા સાધુવાસવાણી રોડ પર કોપર હાઇટ્સ બિલ્ડીંગની બહાર ફૂટપાથ ઉપર મારુ બાઈક પાર્ક કર્યું હતું.
બે થેલામાંથી એક થેલો ખંભે લઈ ટપાલ આપવા ગયો હતો અને બીજો થેલો બાઈકની સાઈડમાં ભરાવેલ હતો. હું આદિત્ય હાઇટ્સ એ વિંગમાં ચોથા માળે ટપાલ આપવા ગયેલો. પછી કોપર હાઇટ્સમાં ગયેલ હતો. પરત જ્યાં બાઈક પાર્ક કર્યું હતું ત્યાં આવી જોયું તો બાઈક કે તેમાં સાઈડમાં ભરાવેલ થેલો જોવા મળેલ નહીં. જેથી કોઈ ચોર શખસ 46 ટપાલ ભરેલ થેલા સાથેનું બાઈક ચોરી કરી ગયો ગયાનું માલુમ થતા ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.