રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ તેમજ કલેકટર તંત્રની તપાસ બાદ ગઇકાલે આશ્રમના ગેરકાયદેસર બાંધકામ અંગે જિલ્લા કલેકટરની સૂચનાથી લોધિકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સાધુએ વાગુદડ સર્વે નંબર 32 પર 3000 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છેલ્લા 3 વર્ષથી ખડક્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આશ્રમમાં કુલ 3 ઓરડી અને ફેન્સિંગ લગાવેલ છે, જેને લઇ મહેસુલી કલમ 202 મુજબ નોટિસ આપવામાં આવી છે જેનો સાધુએ આગામી 7 દિવસમાં જવાબ આપી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું પડશે. જો દુર કરવામાં નહિ આવે તો જિલ્લા વહિવટી તંત્ર દબાણ હટાવશે.
રાજકોટના વાગુદડમાં મહંત યોગી ધર્મનાથ દ્વારા આશ્રમની અંદર ગાંજાના બે છોડ વાવ્યા હોવાનું ઘટસ્ફોટ બાદ રાજકોટ ગ્રામ્ય SOGની તપાસ માટે પહોંચી હતી અને જગ્યા પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવતા આજે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વાગુદડ આશ્રમની જગ્યા 1 એકરમાં ફેલાયેલી છે અને ત્યાં છોડની વાવણી કરવામા આવી હતી જોકે ત્યાં ગાંજાના કેટલા છોડની વાવણી કરવામાં આવી હતી, તે બાબતે FSL અને પોલીસની ટીમ તપાસ કરી રહી છે. આ આશ્રમની કુલ 1 એકર જગ્યા સરકારી ખરાબાની છે જેથી ત્યાંથી આ તમામ છોડ દૂર કરી દબાણ દૂર કરવામા આવશે અને જમીનનો કબજો લેવામાં આવશે. કલમ 202 હેઠળ આ જગ્યા પરની માલિકી ધરાવનારાને સાંભળવામાં આવશે જે માટે 1 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવેલો છે ગેરકાયદેસર બાંધકામ દુર કરવું પડશે જો દૂર કરવામાં નહિ આવે તો જિલ્લા વહિવટી તંત્ર દબાણ હટાવશે.