રાજકોટ- અમદાવાદ હાઈવે પર સ્થિત નવાગામ ખાતે સ્થિત સાત હનુમાનજી મંદિર ખાતે 31મી ડિસેમ્બરથી રામચરિતમાનસ યજ્ઞનો પ્રારંભ થશે. આ માનસ યજ્ઞ 8 ડિસેમ્બરે પૂર્ણ થશે. જે અંતર્ગત 4 જાન્યુઆરી રામદેવજી મહારાજ પાટદર્શન અને સંતવાણીનું આયોજન કરાયું છે. 5મીએ રાંદલ માતાજીના 108 લોટા તેડાશે. તેમજ મહાપૂજા યોજાશે. આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે ધર્મ પ્રેમી જનતાઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ 31 ડિસેમ્બરે મંગળવારે બપોરે 2.00 કલાકેથી થશે.જ્ઞાનયજ્ઞ દરમિયાન 1 જાન્યુઆરીએ શિવવિવાહની ઉજવણી કરાશે. જ્યારે 2 જાન્યુઆરીએ બપોરે 12.00 કલાકે રામજન્મોત્સવ,3 જાન્યુઆરીએ રામવિવાહ, 4 જાન્યુઆરીએ કેવટ પ્રસંગ, રામદેવજી મહારાજની 33 જ્યોત-24 કલાક પાટદર્શન અને રાત્રે સંતવાણી યોજાશે. 5મીએ રવિવારે સવારે 7.30 કલાકે રાંદલ માતાજીના 108 લોટા તેડવામાં આવશે અને રાંદલ માતાજીની મહાપૂજા કરાશે. જ્યારે બપોરે પ્રસાદનું આયોજન કરાયું છે. 6 જાન્યુઆરીએ સોમવારે કથામાં નવધા ભક્તિનું વર્ણન, 7મીએ રામેશ્વર મહાદેવ મહાપૂજા, સવારે 7.30થી 12.30 સુધી સુંદરકાંડ મહાયજ્ઞ અને રામચરિતમાનસ કથામાં ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક પ્રસંગ ઉજવાશે. બપોરે રામકથાની પૂર્ણાહુતિ થશે. રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે ટંકારા તાલુકાના જબલપુર ગામના મુકુંદદાસજી મહારાજ બિરાજમાન થશે. જ્ઞાનયજ્ઞમાં મહાપૂજા અને પ્રસાદનો લાભ લેવા માટે સાત હનુમાન મંદિરના મહંત ત્રિભોવનદાસ કુબાવત, જગદીશદાસ કુબાવતે અનુરોધ કર્યો છે.