શહેરમાં 900થી વધુ ખાનગી શાળાઓ ચાલે છે તેમાંથી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો, યુનિફોર્મ ખરીદવા દબાણ કરતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. તાજેતરમાં જ સેન્ટ પોલ સ્કૂલ દ્વારા વાલીઓને લેટર મોકલીને ચોક્કસ બ્રાન્ડના શૂઝ સ્કૂલે નિશ્ચિત કરેલી શોપ પરથી જ ખરીદવા દબાણ કરતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. સ્કૂલે વાલીઓને મોકલેલા લેટરમાં એમ પણ જણાવ્યું છે કે, જો વાલી ઓનલાઈન કે અન્ય શોપ પરથી શૂઝ ખરીદશે તો તે ચલાવવામાં આવશે નહીં. અગાઉ પણ શિક્ષણ મંત્રીએ સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી સૂચના આપી હતી.
ખુદ શિક્ષણ મંત્રીની સૂચનાનું પણ કેટલાક ખાનગી શાળા સંચાલકો પાલન નહીં કરતાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. તાજેતરમાં જ શહેરની સેન્ટ પોલ સ્કૂલ દ્વારા વાલીઓને લેટર મોકલીને જણાવાયું છે કે, આગામી શૈક્ષણિક વર્ષ માટે શાળા દ્વારા મંજૂર કરાયેલા જૂતા નિવિયા બ્રાન્ડના છે અને તે ફક્ત નોન-માર્કિંગ જૂતા હોવા જોઈએ. અઠવાડિયાના બધા દિવસો માટે શાળા ગણવેશના ભાગરૂપે આ એકમાત્ર જૂતા જરૂરી છે. આ જૂતા ઓનલાઈન અથવા અનલિસ્ટેડ દુકાનોમાંથી ન ખરીદો, કારણ કે આમ કરવાથી ડુપ્લિકેટ, સમાન દેખાતા અથવા ખોટા ઉત્પાદનો પ્રાપ્ત થઈ શકે છે જે શાળાના માન્ય ધોરણોને પૂર્ણ કરતા નથી અને ઉપયોગ માટે પરવાનગી આપી શકાતી નથી.
શાળાએ વાલીઓને શહેરની જુદી જુદી 7 શોપના નામ પણ આપ્યા છે અને જણાવ્યું છે કે, વાલીઓએ આ જ નક્કી કરેલી શોપ પરથી ચોક્કસ બ્રાન્ડના જ શૂઝ ખરીદવાના રહેશે. બીજી બાજુ કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા જે શોપ પરથી અને જે બ્રાન્ડના શૂઝ ખરીદવા દબાણ કરી રહી છે તે શૂઝ આશરે રૂ.1100થી 1200ના આવે છે. ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓને આ પ્રકારના મોંઘા શૂઝ ખરીદવા કેવી રીતે પોસાય? બીજી બાજુ આટલા મોંઘા શૂઝ બીજા વર્ષે બાળકોને ટૂંકા થઇ જાય એટલે ફરી લેવાના થાય. તેના બદલે શાળાએ કલર નિશ્ચિત કરી કોઇપણ શોપમાંથી ને કોઇપણ બ્રાન્ડના શૂઝ ખરીદવા મંજૂરી આપવી જોઈએ.