જસદણના સાણથલીમાં વ્યાજખોરની દાદાગીરી સામે આવી હતી જેમાં જેતે સમયે શરત મુજબ એક લાખના 10 ટકા વ્યાજ આપવાના અને કોરા ચેક પણ લખાવી લેવાયા હતાં તે મ છતાં વધુ રકમ પડાવી લેવા ની ચાલ ચાલી વ્યાજખોરે વેપારીની કાર પડાવી લઈ ધમકી આપતાં આટકોટ પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે જસદણના સાણથલી ગામે રહેતાં અશ્વિનભાઈ બાબુભાઇ વોરા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યુવરાજ બાબુભાઈ વાળાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમને પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેમણે રણજીતભાઈ વાળા થકી યુવરાજનો સંપર્ક કર્યો હતો અને એક લાખના 10 ટકા વ્યાજ દેવું પડશે તેવી શરત મૂકી હતી અને નક્કી થયા મુજબ તેને એક કોરો ચેક સહી કરી આપેલ હતો.
એકાદ મહીના બાદ તેને વ્યાજના રૂ.10 હજાર ગુગલ પે કરી આપેલ હતા. બે મહિના બાદ ફરીથી વ્યાજના રૂ.20 હજાર ગુગલ પે કરી આપેલ હતા, બાદમાં તે વ્યાજ ભરી ન શકતાં યુવરાજે રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને અવાર-નવાર ઘરના સભ્યો હાજર હોય ત્યારે ઘરે આવી ગાળાગાળી કરતો અને આટલું ઓછું હોય તેમ એવી ધમકી દીધી હતી કે પહેલાં રૂપિયા આપો અથવા તમારી કાર આપી દો.જો આમ નહીં થાય તો હું ગામ વચ્ચે તમારી આબરૂના ધજાગરા કરી દઇશ. આટલું ઓછું હોય તેમ એવી પણ ધમકી દીધી હતી કે પૈસા અને કાર નહીં આપો તો ગામ વચ્ચે જ તારા ટાટીયા ભાંગી નાખીશ તેમ કહેતાં તેઓ ડરી ગયા હતા અને પોતાની કાર આપી દીધી હતી. વાત આટલેથી અટકી ન હતી અને જે બાદ પણ તેનો ત્રાસ યથાવત રહેતાં અંતે પોલીસનું શરણું લીધું હતું અને ફરિયાદ નોંધાઈ હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.