ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયા સામે થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ દરમિયાન રૂ.28 કરોડની મિલકતો તપાસનીશ અમલદારે જપ્ત કરી કોર્ટ સમક્ષ ચાર્જશીટ કર્યું હતું. આ મિલકતો જપ્ત કરી સરકાર ખાલસા કરવા ખાસ અદાલત સમક્ષ સ્પેશિયલ પીપીએ અરજી કરી છે.
સ્પેશિયલ પીપી એસ.કે.વોરાએ દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે, જે સ્થાવર મિલકતોને જપ્ત કરી શકાયેલ નથી તે મિલકતો આરોપી સાગઠિયા કોઇપણ પ્રકારે તબદીલ કરી નાખે તો કોઇ અજાણ્યા કે નિર્દોષ માણસને વિના કારણે મુશ્કેલી થાય અને અલગ-અલગ પ્રકારની અરજીઓનો નિકાલ કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આ સંજોગોમાં સ્પેશિયલ પીપીએ અરજી કરેલ છે કે, હાલની આ અરજીની નોટિસ રાજકોટના સબ રજિસ્ટ્રાર, આરટીઓને પણ કરવામાં આવે જેથી સ્થાવર મિલકતની જપ્તીની કાર્યવાહી દરમિયાન જો આરોપી મનસુખ સાગઠિયા આ મિલકત તબદીલ કરવાનો કોઇપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરે તો આવા દસ્તાવેજ રજૂ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનસુખ સાગઠિયા સામે તપાસ દરમિયાન તેમના કુટુંબીજનોના નામથી અનેક મિલકતો મળી આવી હતી. આ મિલકત સંબંધે તેઓ કોઇ ચોખવટ કરી શક્યા ન હોવાથી આ મિલકતો તેમની આવક કરતા 60 ગણી અપ્રમાણસર હોવાનું જણાયેલ હતું. આ સંબંધે તપાસનીશ અમલદારે સરકારને દરખાસ્ત કરેલ જે અનુસંધાને ગુજરાત સરકારે આ મિલકતો સંબંધે મનાઇ હુકમ માગી મિલકતો જપ્ત કરી સરકાર ખાલસા કરવા રાજકોટની ખાસ અદાલત સમક્ષ આજરોજ અરજી કરવા રજૂ કરેલ છે.