રાજકોટના જામકંડોરણા તાલુકાના તરકાસર ગામમાં સાંથણીની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવ્યા વગર જ વર્ષ 1960માં વેચાણ કરી નાખી શરતભંગ કરવામાં આવતા ગોંડલ પ્રાંત અધિકારીએ શરતભંગ સબબ જમીન ખાલસા કરી સરકાર હસ્તક પરત લેવા હુકમ કરતા જમીન ખરીદનાર આસામીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરતા જિલ્લા કલેક્ટરે પણ પ્રાંત અધિકારી ગોંડલનો હુકમ યથાવત્ રાખી 11 એકર 7 ગુંઠા સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.
સાંથણી શરતભંગના કેસની વિગત ગોંડલ ડેપ્યુટી કલેક્ટર દ્વારા 23-01-1960ના રોજ જામકંડોરણા તાલુકાના તરકાસર ગામના રેવન્યુ સરવે નંબર 61ની 6 એકર અને 5 ગુંઠા તેમજ સરવે નંબર 65ની 5 એકર 2 ગુંઠા જમીન ગોરધનભાઈ મનજીભાઇ નામના આસામીને નવી અને અવિભાજ્ય શરતે વિક્રયાદિત નિયંત્રણની શરતોને આધીન ફાળવી હતી.
જોકે નવી અને અવિભાજ્ય શરતોને આધીન જમીન ફાળવવામાં આવી હોવા છતાં લાભાર્થી ગોરધનભાઈ મનજીભાઈએ 11 મામાં જ તા.9-12-1960ના રોજ આ જમીન રણછોડભાઈ કેશાભાઈ જોટાણિયાને વેચાણ કરી નાખી હતી.
બીજી તરફ નવી શરતની જમીનનું વેચાણ થઇ ગયા બાદ આ જમીન ખરીદનાર રણછોડભાઈ કેશાભાઈનું પણ અવસાન થતા તેમના પત્ની વિજયાબેનના નામે જમીનની વારસાઈ નોંધ પાડવામાં આવી હતી. જે બાદ વિજયાબેનનું પણ અવસાન થતા તેમના સાત સંતાનોના નામે વારસાઈ નોંધ પડી હતી છતાં 64 વર્ષ સુધી મહેસૂલ તંત્રના ધ્યાને આ ગંભીર બાબત આવી ન હતી.
જોકે વર્ષ 2024માં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવ્યા વગર જ વેચાણ થયું હોવાનું ગોંડલ પ્રાંત અધિકારીના ધ્યાને આવતા શરતભંગના પગલાં લઈ 11 એકર 7 ગુંઠા જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.