રાજકોટના અંકુરનગર મેઇન રોડ ઉપર ભોલેનાથ સોસાયટીમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોપાલ મનસુખ અમૃતિયા દ્વારા રેશનિંગનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચી નાખવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ જાગેલા પુરવઠા વિભાગે દરોડો પાડી રૂ.22500ની કિંમતના 7475 કિલો ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો જથ્થો સીઝ કર્યો હતો.
રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સસ્તા અનાજના વેપારી ગોપાલ મનસુખ અમૃતિયા દ્વારા રેશનિંગનો જથ્થો કાળાબજારમાં વેચી નાખવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ગત તા.15-7ના રોજ પુરવઠા તંત્રની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે દુકાન બંધ હોવાથી તા.16-7ના રોજ પુરવઠઆ નિરીક્ષક દ્વારા ફરી દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ દુકાનદાર હાજર ન હોય તેને ફોન કરીને બોલાવી તપાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેશનિંગના જથ્થામાં વધઘટ જણાતા 3000 કિલો ઘઉંનો જથ્થો, 4050 કિલો ચોખાનો જથ્થો, 200 કિલો ખાંડનો જથ્થો અને 225 કિલો મીઠાનો જથ્થો મળી કુલ 7475 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.