સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન માટે કલેકટર જાહેરનામું બહાર પાડે

રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન તથા સમૂહલગ્નનું આયોજન કરવા માટે નિયમો માટે જાહેરનામું બહાર પાડી કડક પગલાં ભરવા અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન માટે વેરિફિકેશન કરવામાં આવે, મંજૂર થયેલું ટ્રસ્ટ હોવું જોઇએ ઉપરાંત ટ્રસ્ટના હિસાબો કલેક્ટરની વેબ સાઈટ પર રજૂ કરવામાં આવે અને મંજૂરી બાદ જ સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન થાય તેવી માંગણી સાથે 9 મુદ્દાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા કલેક્ટરને આવેદન અપાયું છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતુ કે, 2 દિવસ પહેલા ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા માધાપર ચોકડી પાસે રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવના આયોજકો નાણાં લઇ ફરાર થઈ ગયા અને 28 વર વધૂ રઝળી પડયાં હતાં. ત્યારે હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનુ વેરિફિકેશન કરવામાં આવે, મંજુર થયેલું ટ્રસ્ટ હોવું જોઈએ અને કલેક્ટર કચેરીની વેબસાઈટ ઉપર તે ટ્રસ્ટના હિસાબો રજૂ કરવામાં આવે અને કલેકટરની મંજૂરી બાદ જ સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં આવે તેવી માંગણી છે. આ ઉપરાંત જે આયોજકો નાસી છૂટ્યા છે, તેમાના મુખ્ય સૂત્રધારને ઝડપથી પકડી લેવામાં આવે અને જે લોકોએ નાણા ગુમાવ્યા છે તેઓને નાણા પરત આપવામાં આવે તેવી માગ છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે, રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 28 નવ દંપતીના મુખ્ય આયોજક ભાજપના આગેવાન ચંદ્રેશ છત્રોલા અને તેના મળતીયાઓ દ્વારા નવદંપતી અને તેના પરિવારો પાસેથી 15 હજારથી 40 હજારની ફી કટકટાવી લીધા પછી લગ્નના દિવસે કોઈ દેખાયા નહીં અને અફડાતફડીનો માહોલ થતાં લગ્નોત્સવના સમારંભમાં પોલીસે આવી જવું પડ્યું. આયોજકો દ્વારા દોઢ વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી ફી ઉઘરાવી હતી અને કરિયાવર પણ આપ્યો નથી. જો કે પોલીસે આયોજકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *