શહેરમાં થોરાળા નજીક આવેલી સર્વોદય સોસાયટીમાં વૃદ્ધાની ઓરડીમાં તિજોરીના તાળાં ખોલી કોઇ અજાણ્યા તસ્કરો રોકડ-દાગીના મળી કુલ રૂ.1.40 લાખની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા થોરાળા પેાલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સર્વોદય સોસાયટીમાં રહેતા સોમીબેન ગોવિંદભાઇ પરમાર (ઉ.70) તેના ઘેર ઉપરના માળે ઓરડીમાં રહેતા હોય અને નીચે તેનો પુત્ર સુરેશ રહેતો હોય તે નિવૃત્ત જીવન જીવે છે અને તેના રૂમમાં એક તિજોરીમાં પૈસા તેમજ દાગીના રાખ્યા હતા. તા.14ના રોજ દાગીના તેમજ રૂપિયા જોયેલ હતા બાદમાં તા.31-10ના રોજ સવારે તેની તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તિજોરી નહીં ખૂલતા તેને તેના પુત્રને જાણ કરી હતી. બાદમાં તેના પુત્ર સુરેશે તિજોરીનું લોક સરખું કરી ખોલતા તિજોરીમાંથી રૂ.11 હજારની રોકડ અને દાગીના ગાયબ હોય જેથી મોટા પુત્રને જાણ કરી પોલીસમાં ફરિયાદ કરતા થોરાળા પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી રૂ.11 હજારની રોકડ અને રૂ.1.29 લાખની કિંમતના દાગીના મળી રૂ.1.40 લાખની ચોરીમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.