શહેરની ભાગોળે સરધારમાં પાંચેક દિવસ પહેલાં ટાયરના વેપારીને આટકોટના ઇસમે ફડાકા ઝીંકી છરી બતાવી ધમકી આપી હતી. આ મામલે ગુનો નોંધાયા બાદ ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સરધાર બંધ રખાયું હતું. પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લઇ ધરપકડ કરી હતી તો સામાપક્ષે આટકોટના ઇસમે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં વેપારી સહિત ચાર શખ્સે તેમની કારને સળગાવી દીધાનો આક્ષેપ કર્યો હતો.
સરધારમાં રહેતા મયૂરભાઇ પટેલ ગત તા.26ના સરધારમાં આવેલી પોતાની માટેલ ટાયર્સ નામની દુકાને હતા ત્યારે આટકોટનો સિકંદર સાંધ અને તેનો પુત્ર અર્શદ કાર લઇને ગયા હતા અને ટાયર બદલાવવાના મુદ્દે માથાકૂટ થતાં સિકંદરે વેપારી મયૂરભાઇને ફડાકા ઝીંકી દીધા હતા અને અર્ષદે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગુનો નોંધાયા બાદ આરોપી પિતા-પુત્ર પોલીસને હાથ નહીં આવતા સરધારના લોકોએ રવિવારે આક્રોશ સાથે બંધ પાળી વિરોધ કર્યો હતો.
મંગળવારે આજી ડેમ પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સિકંદર સાંધે આ મામલે વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મયૂર પટેલ, પંકજ પટેલ અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. સિકંદર સાંધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટાયર બદલાવવા મુદ્દે માથાકૂટ થતાં તેના પુત્ર અર્ષદે ધોલધપાટ કરી હતી. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને મયૂર પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપતા સિકંદર અને તેનો પુત્ર અર્ષદ દોડીને નજીકમાં આવેલા કબ્રસ્તાનમાં જઇને છુપાઇ ગયા હતા. પિતા-પુત્ર બંને કબ્રસ્તાનમાં છુપાયેલા હતા ત્યારે મયૂર પટેલ સહિતના ચારેય શખ્સોએ કારને ધક્કો મારી કબ્રસ્તાન નજીક લઇ જઇ કાર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કારને સળગાવી દીધી હતી. પોલીસે સિકંદરની ફરિયાદ પરથી મયૂર પટેલ સહિત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.