નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93 શાળામાં ચાલુ વર્ષે નવા 100 શિક્ષકનું મહેકમ મંજૂર થયું છે જેનાથી ધોરણ 1થી 8ના આશરે 35 હજાર જેટલા બાળકોને ફાયદો થશે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 27 હજારથી વધીને 35 હજાર થઇ છે. ચાલુ વર્ષે બાલવાટિકાથી ધો.8માં નવા 10 હજાર વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. 4 વર્ષ પહેલાં શિક્ષણ સમિતિમાં 27 હજારથી 28 હજાર જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. જેમાં હાલ 35 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ 900 જેટલા શિક્ષકોની સામે હાલ 1150થી વધુ શિક્ષક અધ્યાપન કાર્ય કરાવી રહ્યા છે.
શાસાનાધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવા શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટનું ધોરણ 1થી 5માં 652 શિક્ષક તથા ધોરણ 6થી 8માં 437 શિક્ષક અને મુખ્ય શિક્ષકો મળી કુલ 1150થી વધુ શિક્ષકનું સેટઅપ મહેકમ મંજૂર થઈ આવ્યું છે. જેમાં ગત વર્ષની તુલનામાં 100 જેટલા શિક્ષકનો વધારો થયો છે. ચાલુ વર્ષે સમિતિની કુલ 93 શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં કુલ 10,249 બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો છે જે છેલ્લા 4 વર્ષનો સૌથી વધુ એડમિશનનો કીર્તિમાન છે. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં કુલ 1675 બાળકોએ પ્રવેશ લીધો છે. હાલ શિક્ષણ સમિતિની 93 શાળાઓમાં કુલ 35,650 જેટલા બાળકો અભ્યાસ કરે છે.